About Us

સુજ્ઞ જ્ઞાતિજનો,

આ ટેકનોલોજી નો યુગ છે. ઘણાં બધાં કામ હવે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ આધારિત બની ગયા છે. દુનિયા ટેક્નોલોજીના રસ્તે કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે. ત્યારે નૃસિંહપુરા દિગમ્બર જૈન સમાજના સભ્યોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે હવે આપણે પણ આપણી વેબસાઈટ ખોલી રહ્યા છીએ. અત્યારે મોબાઈલ, કમ્પ્યુટરનાં વપરાશકારોની સંખ્યા ખૂબ વધી ગઈ છે ત્યારે વેબસાઈટ પરથી જરૂરી માહિતી મેળવવાનું બહુ સરળ બનશે. ઓછા સમયમાં જ માહિતી મેળવી શકીશું. એટલું જ નહી પણ કાગળ, પ્રિન્ટિંગ અને પોસ્ટેજ પાછળ થતો ખર્ચ બચી જશે.

આજથી 1900 વર્ષ પહેલાં સંવત 102, ફાગણ સુદ તેરસ ને રવિવારે, શ્રીમદ્દ રામસેનાચાર્યએ નૃસિંહપુરા જ્ઞાતિની સ્થાપના કરી હતી. તેમાં 108 કુળ અને 27 ગોત્ર તથા તેમનાં દેવદેવીઓને પણ સ્થાપ્યા હતા. જેમાંથી સવંત 275 માં 10 ગોત્રો ગુજરાતનાં પ્રાંતિજ નગરમાં 1350 કુટુંબો સાથે આવીને વસ્યાં હતાં. આ પ્રમાણે નૃસિંહપુરા દિગંબર જૈનો ગુજરાતમાં આવીને વસ્યાં. ત્યારથી સંઘના સભ્યો સાથે મળીને જ બધા જ અગત્યનાં કાર્યો પાર પાડે છે.

અત્યાર સુધી આપણે પેપરવર્ક કરતાં હતાં. સમાજના સભ્યોની યાદી, રહેઠાણ અને એમનાં વિશેની માહિતી આપણે માહિતીગ્રંથ છપાવીને કરતાં હતાં. બે-ત્રણ વર્ષે એમાં થતાં ફેરફાર માટે સરનામાની ડાયરી બહાર પડતાં હતાં. હવે આપણે આ બધું કામ ઓછી મહેનતે ઓનલાઇન કરી શકીશું.

આપણાં સમાજની કુલ વસ્તી લગભગ 6000 છે. જેમાંથી નોકરી ધંધાર્થે ગુજરાત બહાર અને ભારતનાં અન્ય રાજ્યોમાં વસતાં સભ્યોની સંખ્યા લગભગ 500 છે.

આ બધાંની વિગતવાર માહિતી જેવી કે સમાજનાં સભ્યોનાં નામ, સરનામાં, મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈ.ડી. વિગેરેનો સમાવેશ કરવામાં આવશે. એ સિવાય સ્કોલરશીપ, એજ્યુકેશન લોન, આર્થિક સહાય, મેડિકલ સહાય, ઇનામવિતરણ, લગ્ન વિષયક માહિતી, જન્મદિવસ, લગ્ન દિવસ, વાસ્તુ, પૂજા જેવા ખુશીનાં સમાચાર, શ્રદ્ધાંજલિ, જાહેરાતો તેમજ જૈન ધર્મને લગતી અનેક જાણવા યોગ્ય બાબતોને આવરી લેવામાં આવશેં.

આશા છે કે સંઘના સભ્યો આ શુભ કાર્ય માટે પૂરો સહકાર આપશે અને શક્ય એટલાં મદદરૂપ પણ થશે જ.