Religious Temples

ઉસ્માનપુરા (શ્રી શાંતિનાથ નૃસિંહપુ દિગમ્બર જૈન તીર્થ)

સ્થાપના - અમદાવાદ શહેરની બરાબર મધ્યમાં આવેલાં શ્રી ૧૦૦૮ શાંતિનાથ દિગમ્બર જૈન દેરાસરની સ્થાપના ઈ. સ.૧૯૮૫, ફાગણ સુદ સાતમના દિવસે નૃસિંહપુરા દિગમ્બર જૈનો દ્વારા કરવામાં આવી હતી. માન:સ્તંભ સહિતનું આ મંદિર દર્શનાર્થીઓને અદ્ભૂત શાંતિનો અનુભવ કરાવે છે. આ મંદિરમાં માનસ્તંભની સ્થાપના વર્ષ ૨૦૦૮માં મહા સુદ અગિયારસને દિવસે કરવામાં આવી હતી. આ મંદિરની સ્થાપનાને ૩૩ વર્ષ પૂર્ણ થયાં છે અને અહીં રોજ પક્ષાલ, પૂજા અને દર્શન કરવા આવતાં દર્શનાર્થીઓની સંખ્યા પણ ઘણી છે.

મૂળ નાયક - આ મંદિરનાં બે માળ છે. ઉપરનાં ગર્ભગૃહમાં મૂળનાયક શ્રી ૧૦૦૮ શાંતિનાથજી ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. તેમની એક બાજુ શ્રી ૧૦૦૮ કુંથુંનાથજી અને બીજી બાજુ શ્રી ૧૦૦૮ અરનાથજી ની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. નીચેનાં ગર્ભગૃહમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ભગનાનની ખૂબ સુંદર મૂર્તિ પ્રતિષ્ઠિત છે. જ્યારે એમની એક બાજુ શ્રી ૧૦૦૮ નેમિનાથજી ભગવાન અને બીજી બાજુ ૧૦૦૮ મુનિસૃવત સ્વામીજી ની મૂર્તિઓ શોભાયમાન છે.

મંદિરનું ધ્વજારોહણ - ફાગણ સુદ સાતમના રોજ આ મંદિરનું ધ્વજારોહણ કરવામાં આવે છે.

મંદિરની મુખ્ય પ્રવૃત્તિઓ - આ મંદિરમાં છેલ્લાં દસ વર્ષથી જૈન પાઠશાળા ચલાવવામાં આવે છે. જેમાં સમાજનાં લગભગ ૪૦ બાળકો લાભ લે છે.

સરનામું - શ્રી ૧૦૦૮ શાંતિનાથજી દિગમ્બર જૈન મંદિર, શ્રી શાંતિનાથ ફાઉન્ડેશન, ટી - ૩૨, શાંતિનગર સોસાયટી, ઉસમાનપુરા, અમદાવાદ - ૩૮૦૦૧૩

ફોન નમ્બર - ૨૭૫૫૯૦૮૪
આ મંદિરે પહોંચવા માટે કાલુપુર અને લાલ દરવાજાથી આશ્રમરોડની બસ મળે છે. રીક્ષા કે ટેક્ષી દ્વારા પણ ત્યાં સહેલાઈથી પહોંચી શકાય છે.


નરોડા (પ્રાચીન અતિશય ક્ષેત્ર શ્રી નરોડા નૃસિંહપુરા દિગમ્બર જૈન મંદિર)

અમદાવાદમાં પૂર્વ દિશામાં આવેલ નૈષધપુરી નગરી જે નરોડા તરીકે ઓળખાય છે. ૧૦૮ શ્રી પરમ પૂજ્ય આચાર્ય શ્રી ભરતસાગર મહારાજ શ્રીના મતે નહીં શુભ ગામમાં રોડા એ ગામનું નામ નરોડા. નરોડા ગામમાં દિગમ્બર જૈનનાં આશરે ૨૦૦ (બસો) ઘર આવેલા છે.

સ્થાપના - લગભગ ૧૭૫ વર્ષ જૂનું શ્રી આદિનાથ ભગવાન ના આ મંદિરની પ્રતિષ્ઠા ૧૯૭૪નાં વર્ષમાં કરવામાં આવી હતી.

મૂળ નાયક - આ મંદિરમાં મૂળનાયક તરીકે શ્રી ૧૦૦૮ આદિનાથજી ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠિત છે જ્યારે એમની એક બાજુ શ્રી ૧૦૦૮ ચંદ્રપ્રભુજી અને એમની બાજુમાં શ્રી ૧૦૦૮ શાંતિનાથજી ની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત છે. જ્યારે બીજી બાજુ શ્રી ૧૦૦૮ ચંદ્રપ્રભુજી અને એમની બાજુમાં શ્રી મહાવીર સ્વામીજી ની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત છે. ત્રિમૂર્તિ મંદિરમાં મૂળનાયક તરીકે શ્રી ૧૦૦૮ આદિનાથજી એમની એક બાજુ શ્રી ૧૦૦૮ ભરતેશ્વરજી અને બીજી બાજુ શ્રી ૧૦૦૮ બહુબલીજી ની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત છે.

ધજારોહણ દિવસ - આ મંદિરનો ધજારોહણ દિવસ ફાગણસુદ પાંચમ છે.

જીર્ણોદ્ધાર - આ મંદિર પહેલાં ખૂબ નાનું હતું પણ જ્ઞાતિજનોના પ્રયત્નથી હવે એ ઘણું મોટું બની ગયું છે. આ મંદિરમાં ત્રિમૂર્તિ મંદિર અને માન સ્તંભ બનાવવામાં આવ્યાં. અને માર્ચ ૨૦૧૪માં ધામધુમથીઆ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. મંદિરની સામે માણેક્લાલ અંબાલાલ જૈન ધર્મશાળા તેમજ બાજુમાં મહેમાનોને રહેવા માટે ત્રણ માળનું મકાન બનાવવામાં આવ્યું છે. જૈન મુનિમહારાજ અને આર્યિકા માતાજીના ચાતુર્માસ માટેની અહીં સંપૂર્ણ સગવડતાવાળું સાધુભવન આવેલું છે. આ મંદિર શ્રી દિગમ્બર જૈન મંદિરનાં નામે રજીસ્ટર્ડ છે જેનો વહીવટ નૃસિંહપુરા દિગમ્બર જૈન સમાજનાં સભ્યો કરે છે..

પ્રવૃત્તિ -
(૧) આ મંદિરમાં બે મહિલા મંડળ તેમજ યુવક મંડળ કાર્યરત છે.
(૨) એ સિવાય પાંત્રીસ વર્ષથી એક મિત્રમંડળ કાર્યરત છે. જેઓએ ચારથી પાંચ લાખ ભેગા કરીને કેળવણી મંડળને દાન રૂપે આપ્યાં જેમાંથી સમાજનાં જરૂરિયાતમંદ બાળકોને નોટબુક અને શૈક્ષણિક સાધનોની મદદ કરવામાં આવે છે.
(૩) - મરણોત્તર સ્કીમ અંતર્ગત નૃસિંહપુરા દિગમ્બર જૈન મિત્રમંડળ અવસાન પામેલ વ્યક્તિના કુટુંબને રૂપિયા ૫૦૦૦૦ (અંકે રૂપિયા પચાસ હજાર) ની સહાય આપવામાં આવે છે.
(૪) આર્થિક સમાજનાં નબળાં લોકોને આર્થિક કીટ નું વિતરણ કરવામાં આવે છે.

સરનામું અને ફોન નમ્બર - પ્રાચીન અતિશય ક્ષેત્ર , શ્રી નરોડા નૃસિંહપુરા દિગમ્બર જૈન મંદિર, આઝાદ ચોક, નરોડા, અમદાવાદ
ફોન નમ્બર - ૦૭૯ ૨૨૮૧૧૪૯૧

પહોંચવા માટે -
નરોડા જવા માટે કાલુપુર, સારંગપુર, લાલ દરવાજાથી એ એમ ટી એસ ની બસો મળે છે. બસ સ્ટોપથી એક કિલોમીટર જ દૂર છે. ચાલતા જ જવાય છે.રીક્ષા પણ મળે છે.


પતાસાપોળ (નૃસિંહપુરા દિગંબર શ્રી શીતલનાથજી જૈન મંદિર)

સ્થાપના - આ મંદિરની સ્થાપના વિક્રમ સંવત ૧૯૭૧માં થઈ હતી.આમ આ મંદિર ૧૦૫ વર્ષ જૂનું છે. શહેરની બિલકુલ મધ્યમાં અને પોળની અંદર આવેલું આ મંદિર દર્શનાર્થીઓને ખૂબ શાંતિ અને શાતાનો અનુભવ કરાવે છે.

મૂળ નાયક - આ મંદિરમાં મૂળ નાયક શ્રી ૧૦૦૮ શીતલનાથજી ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે.એમની એક બાજુ શ્રી ૧૦૦૮ આદિનાથજી ભગવાન અને બીજી બાજુએ શ્રી ૧૦૦૮ શીતલનાથજી ભગવાનની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે. મંદિરમાં એક બાજુ શ્રી ૧૦૦૮ શાંતિનાથજી ભગવાનની મૂર્તિ બિરાજમાન છે.આ મંદિર પોળની અંદરનાં ભાગમાં આવેલું છે.

મંદિરનો જીર્ણોદ્ધાર - આ મંદિર અને એનાં શીખરનો જીર્ણોદ્ધાર વિ. સંવત ૨૦૩૮ એટલે કે વર્ષ ૧૯૮૦માં કરવામાં આવ્યો હતો. હાલમાં આ મંદિરનાં શતાબ્દી વર્ષ પૂરાં થતાં સન ૨૦૦૮ ની સાલમાં ફરી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.

ધજારોહણ - દર વર્ષે વૈશાખ સુદ સાતમનાં રોજ ધજારોહણ કરવામાં આવે છે.

સવલતો - સમય જતાં આ મંદિરમાં સગવડો વધારવામાં આવી છે. વિ. સંવત ૨૦૬૫ એટલેકે વર્ષ ૨૦૦૬ માં આ મંદિરની બાજુમાં એક હૉલ અને નીચેનાં ભાગમાં ચાર રૂમો બનાવવામાં આવી છે.

સગવડ - અમદાવાદ ગાંધીરોડ પર આવેલી પતાસાપોળમાં આવેલ આ મંદિરે જવા માટે કાલુપુર અને લાલદરવાજાથી ગાંધીરોડની બસની સગવડ છે. રીક્ષા અને ટેક્ષી દ્વારા પણ અહીં જઈ શકાય છે.

સરનામું -
શ્રી ૧૦૦૮ શીતલનાથજી દિગંબર જૈન મંદિર, મહાદેવનો ખાંચો, પતાસાપોળ, ગાંધીરોડ, અમદાવાદ -- ૩૮૦૦૧

ત્યાં પોળમાં આજુબાજુ લગભગ બધી વસ્તી શ્વેતાંબર જૈનોની છે. તેઓ પણ રોજ આ મંદિરમાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે.


મખીયાવ (શ્રી ૧૦૦૮ પદ્મપ્રભુજી નૃસિંહપુરા દિગંબર જૈન મંદિર)

સ્થાપના - આ મંદિરની સ્થાપના આશરે ૧૫૦ વર્ષ પહેલાં કરવામાં આવી.

જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા - સન ૨૦૧૧ની સાલમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. જીર્ણોદ્ધાર પછી આ મંદિરમાં મૂળ નાયક તરીકે શ્રી ૧૦૦૮ સંભાવનાથજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી.

ધજારોહણ -
આ મંદિરમાં દર વર્ષે મહા સુદ ૧૦ ( દસમ ) નાં દિવસે કરવામાં આવે છે.

સરનામું -
મખીયાવ, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ

જવા માટે -
એસ. ટી. બસ કે પ્રાઇવેટ વાહન દ્વારા ત્યાં જઈ શકાય.


આમોદ (શ્રી ૧૦૦૮ સુમતીનાથજી નૃસિંહપુરા દિગમ્બર જૈન તીર્થ)

સ્થાપના - આ દેરાસર આશરે ૨૧૧ (બસો અગિયાર) વર્ષ જૂનું છે, એટલે આમોદના આ દેરાસરની સ્થાપના આશરે બસો અગિયાર વર્ષ પહેલાં થઈ હશે. આ દેરાસર જૂનું હોવા છતાં એમાં પ્રસ્થાપિત પ્રતિમાઓની આભા અને પ્રભાવ અવર્ણનીય છે. આ દેરાસરમાં દર્શન કરીને મન ખૂબ શાંતિ અનુભવે છે..

મૂળનાયક -આ દેરાસરનાં મૂળનાયક શ્રી ૧૦૦૮ સુમતીનાથ ભગવાન છે. આ દેરાસરનાં ભોંયતળિયે મૂળનાયક તરીકે શ્રી મહાવીર સ્વામીજી ની મૂર્તિ શોભાયમાન છે.

જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા -
પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી ભરત સાગર મહારાજની નિશ્રામાં વર્ષ ૨૦૧૧માં આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એની પ્રતિષ્ઠા ૨૦૧૭ની સાલના એપ્રિલ મહિનામાં કરવામાં આવી.

ધજારોહણ -
આ મંદિરમાં દર વર્ષે વૈશાખ સુદ નોમના રોજ ધજારોહણ કરવામાં આવે છે.

વ્યવસ્થા -
અહીં રહેવાની અને ભોજનશાળાની સગવડ છે. દેરાસરની બાજુમાં રહેવા માટેનાં બ્લોક આવેલાં છે જ્યારે એની બાજુમાં હૉલ અને ભોજનશાળા પણ આવેલા છે. એક સરસ જાણવા જેવી વાત એ છે કે આમોદનું પ્રાચીન નામ સુગંધપુર હતું. અહીં લોકો વધારે ધાર્મિક હશે અને ધર્મની સુગંધ ફેલાવતાં હશે એટલે આ નામ પડ્યું હશે એવું લાગે છે.

સરનામું -
શ્રી ૧૦૦૮ સુમતીનાથ દિગમ્બર જૈન મંદિર, તાલુકો -- આમોદ, જિલ્લો -- ભરૂચ

જવા માટે -
અહીં કરજણથી એસ.ટી. અને પ્રાઇવેટ વાહનો દ્વારા જઈ શકાય છે.


ડબકા (શ્રી ૧૦૦૮ પદ્મપ્રભુજી નૃસિંહપુરા દિગમ્બર જૈન તીર્થ)

સ્થાપના - આ દેરાસર આશરે બસો દસ વર્ષ જૂનું છે. સંવત ૧૯૮૮ પહેલાં ભોંય તળિયે દેરાસર હતું. ઉપરનાં માળે લાકડાનું ફ્લોરિંગ હતું. એ માળ ખાલી હતો. જૂનાં મંદિરનું સંપૂર્ણ રીનોવેશન કરીને આ દેરાસરને શિખરબંધી બનાવવામાં આવ્યું. મૂળનાયક સહિત અમુક મૂર્તિઓ ખંડિત થઈ ગઈ હતી જેનું શાત્રોક્ત વિધિથી વિસર્જન કરવામાં આવ્યું.

પ્રતિષ્ઠા -સન ૧૯૮૮ ના રોજ આ નવા શિખરબંધી દેરાસરની પ્રતિષ્ઠા કરવામાં આવી..

મૂળ નાયક -
આ દેરાસરમાં ભોંય તળિયે મૂળનાયક તરીકે શ્રી ૧૦૦૮ પદ્મપ્રભુજી ની પ્રતિમા તથા બાજુમાં શ્રી ૧૦૦૮ ચંદ્રપ્રભુ સ્વામીજી ની પ્રતિમા બિરાજમાન છે. તીર્થંકરોની કુલ ૧૩(તેર) મૂર્તિઓ આ દેરાસરમાં બિરાજમાન છે. ઉપરની વેદીમાં શ્રી ચંદ્રપ્રભુ સ્વામી ની પ્રતિમા તથા બીજી પ્રતિમાઓ ખડગાસને બિરાજમાન છે. અત્યારે ડબકામાં નૃસિંહપુરા દિગમ્બર જૈનનાં આશરે પાંચેક ઘર હશે.

સરનામું -
શવડોદરા જિલ્લામાં, વડોદરાથી ત્રીસ થી પાંત્રીસ કિલોમીટરના અંતરે, મહીસાગર નદીનાં કાંઠે, પાદરા તાલુકામાં ડબકા ગામ આવેલું છે.
જવા માટે - ડબકા જવા માટે વડોદરાથી વાયા પાદરા બસમાં કે પ્રાઇવેટ વાહન દ્વારા જઈ શકાય.


જ્હેર (શ્રી ૧૦૦૮ મુનિસુવ્રતસ્વામી નૃસિંહપુરા દિગમ્બર જૈન દેરાસર)

સ્થાપના - આ દેરાસર આશરે સો વર્ષ જૂનું હશે.

મૂળનાયક -આ દેરાસરમાં મૂળનાયક શ્રી ૧૦૦૮ મુનિસુવ્રતસ્વામી એમની એક બાજુ શ્રી ૧૦૦૮ ચંદ્રપ્રભુસ્વામીજી અને એમની બીજી બાજુ શ્રી ૧૦૦૮ મહાવીર સ્વામીજી ની પ્રતિમાઓ બિરાજમાન છે.

પ્રવૃત્તિઓ -
જહેરમાં નૃસિંહપુરા જૈનોનાં આશરે અઢાર ઘર આવેલાં છે. અહીં દિગમ્બર સમાજનાં સભ્યો અને આગેવાનો સારી એવી પ્રવૃત્તિઓ કરે છે. અહીં નીચે પ્રમાણે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
(૧) -- કાયમી ભોજનશાળા
(૨)-- સિનિયર સિટીઝનના પેંશનની યોજના
(૩) -- મહિલા ઉત્કર્ષ યોજના
(૪)-- ચબૂતરા ફંડ
(૫) -- તબીબી સહાય યોજના
(૬) -હાયર એજયુકેશન લોન
(૭) -- ધર્મ પ્રભાવના યોજના
(૮) - આર્થિક સહાય
(૯) -શૈક્ષણિક સહાય
(૧૦) - ટેક્નિકલ શૈક્ષણિક યોજના
આમ અનેક પ્રવૃત્તિઓ દ્વારા સમાજનાં વિકાસમાં સમાજનાં આર્થિક રીતે સધ્ધર આગેવાનો ઘણો મોટો ફાળો આપે છે. અહીં દર વર્ષે પર્યુષણ પર્વ નિમિત્તે સંવત્સરી પછી અને ચૈત્ર સુદ તેરસ- મહાવીર જયંતિએ શોભાયાત્રા કાઢીને સંઘ જમણ કરવામાં આવે છે.

શ્રીજી ની વર્ષગાંઠ -
દર વર્ષે જેઠ સુદ બીજના દિવસે ધામધૂમથી શ્રીજીની વર્ષગાંઠ ઉજવવામાં આવે છે.

સગવડ -
દેરાસરની બાજુમાં શ્રી નૃ. દિ. જૈન સંઘ દ્વારા સંચાલિત વિશ્રામ ગૃહ અને પ્રગતિભવન આવેલાં છે.

સરનામું -
શ્રી ૧૦૦૮ મુનિસુવ્રત સ્વામીનું નૃસિંહપુરા દિગમ્બર જૈન સંઘ દેરાસર, મોટી જહેર, તાલુકો -- કપડવંજ, જિલ્લો -- ખેડા, ગુજરાત રાજ્ય.
ફોન નમ્બર - ૦૨૬૯૧ ૨૮૪૩૦૧


નરસિંહપુર (શ્રી ૧૦૦૮ શાંતિનાથજી દિગમ્બર જૈન મંદિર)

સ્થાપના - નરસિંહપુરમાં આવેલ શ્રી ૧૦૦૮ શાંતિનાથજી દિગંબર જૈન મંદિરની સ્થાપના વર્ષ ૧૯૫૬માં કરવામાં આવી હતી.

ધજારોહણ -નરસિંહપુરમાં આવેલ શ્રી ૧૦૦૮ શાંતિનાથજી દિગંબર જૈન મંદિરમાં દર વર્ષે જેઠ સુદ પાંચમના દિવસે ધજારોહણ વિધિ કરવામાં આવે છે.

સરનામું -
શ્રી ૧૦૦૮ શાંતિનાથજી દિગમ્બર જૈન મંદિર, નરસિંહપુર, તાલુકો -- કપડવંજ, જિલ્લો -- ખેડા.

જવા માટે -
એસ.ટી કે પ્રાઇવેટ વાહન દ્વારા જઈ શકાય છે.


કલોલ (શ્રી ૧૦૦૮ શ્રી આદિનાથજી ભગવાનનું નૃસિંહપુરા દિગમ્બર જૈન મંદિર)

સ્થાપના - કલોલમા આવેલાં નૃસિંહપુરા દિગમ્બર જૈન મંદિરની સ્થાપના આશરે ૧૩૫ (એકસો પાંત્રીસ) વર્ષ પહેલાં થઈ. ૧૩૫ વર્ષ જૂનું આ મંદિર કલોલ શહેરની મધ્યમાં આવેલું છે.

મૂળ નાયક - કલોલ નૃસિંહપુરા દિગમ્બર જૈન મંદિરમાં મૂળ નાયક તરીકે શ્રી ૧૦૦૮ આદિનાથજી ભગવાન ની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આ મંદિરના ભોંયતળિયાનાં ગર્ભગૃહમાં શ્રી ૧૦૦૮ મુનિસુવ્રતજી ભગવાન ની મૂર્તિને પ્રતિષ્ઠિત કરવામાં આવી છે.

જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા - આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યા બાદ માનસ્તંભ સહિત આ મંદિરને એક માળવાળું બનાવવામાં આવ્યું હતું. જેની પ્રતિષ્ઠા વર્ષ ૨૦૧૨માં કરવામાં આવી. પહેલાં માળે મૂળનાયક શ્રી ૧૦૦૮ મહાવીર સ્વામીજી ની પ્રતિષ્ઠા કરવામાં આવી.

ધજારોહણ દિવસ - આ મંદિરનો ધજારોહણ દિવસ મહા સુદ ૭ (સાતમ) છે.

ઉજવણી -
કલોલ નૃસિંહપુરા દિગમ્બર જૈન મંદિરનો શતાબ્દી મહોત્સવ ઈ. સ. ૧૯૮૬માં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. (૧૦૦) એકસો વર્ષ પૂરાં થયાની ઉજવણીમાં અનેક સાધુ મહારાજ અને માતાજીએ આવીને ઉજવણીની શોભા વધારી હતી. અનેક સાંસ્કૃતિક પ્રસંગો અને ધાર્મિક પ્રવચનો દ્વારા આ શતાબ્દીની ઉજવણી દિગમ્બર જૈનોએ બહુ જોરરશોરથી કરી હતી. આ ઉજવણી વખતે માત્ર કલોલના દિગમ્બર જૈનોએ જ નહીં પણ આખા ગુજરાતમાંથી દિગમ્બર જૈનોએ આવીને ઉજવણીને વધારે શોભનીય અને સુંદર બનાવી હતી.

પ્રવૃત્તિઓ -
(૧)-- અહીં જૈન પાઠશાળા ચાલે છે જેમાં આશરે ૩૦(ત્રીસ) થી ૪૦(ચાલીસ) બાળકો ધાર્મિક શિક્ષણનો અભ્યાસ કરવા માટે રોજ આવે છે.
(૨)-- ધર્મ પ્રભાવના યોજના -- કલોલ સંઘ દ્વારા અહીં જુદા જુદા ધાર્મિક સ્થળોની યાત્રાનું આયોજન બહુ ઓછા દરે કરવામાં આવે છે.
(૩) --સામાજિક -- કલોલ નૃસિંહપુરા દિગમ્બર જૈન સંઘે શ્રી વાડીલાલ જગજીવનદાસની વાડી બનાવી એમના સમાજને અર્પણ કરી છે. જ્ઞાતિજનોને આ વાડી શુભ-અશુભ પ્રસંગોએ વાપરવા માટે આપવામાં આવે છે. કલોલ શહેરમાં નૃસિંહપુરા દિગમ્બર જૈનનાં આશરે ૬૭ (સડસઠ) મકાનો (ઘરો) આવેલાં છે. અને એમની વસ્તી આશરે ૨૬૧ ( બસો એક્સઠ)ની છે.
સરનામું - નૃસિંહપુરા દિગંબર જૈન સંઘ, શ્રી ૧૦૦૮ આદિનાથજી દિગંબર જૈન મંદિર, પાંચ હાટડી બજાર, કલોલ, ઉત્તર ગુજરાત. પીનકોડ નં. -- ૩૮૨૭૨૧


સુરત - (શ્રી ૧૦૦૮ ચંદ્રપ્રભુ સ્વામી દિગમ્બર જૈન મંદિર)

સ્થાપના - આ એક અતિ પ્રાચીન અતિશય ક્ષેત્ર ગણાય છે. ૫૦૦(પાંચસો) થી ૬૦૦(છસો) વર્ષ જૂનું ગણાતું આ મંદિર સુરતની સં. ૧૮૯૩ની આગમાં બળી ગયેલ નહીં. જેથી એની બાંધણી ઘણી જ જૂની છે. એ વખતે નૃસિંહપુરા દિગમ્બર જૈનનાં દસથી બાર ઘર હતાં. હાલ સુરતમાં શ્રી નૃસિંહપુરા સંઘના ૪૦ (ચાલીસ) પરિવાર રહે છે. આ મંદિર શ્વેતાંબર જૈનોની વસ્તી વચ્ચે આવેલું છે.

મૂળ નાયક - હાલ આ મંદિરમાં મૂળનાયક તરીકે શ્રી ૧૦૦૮ શ્રી ચંદ્રપ્રભુજી ભગવાન એમની જમણી બાજુ શ્રી ૧૦૦૮ મહાવીર સ્વામીજી ભગવાન અને ડાબી બાજુ શ્રી ૧૦૦૮ શાંતિનાથજી ભગવાન બિરાજમાન છે.
ખાસ નોંધ - આ મંદિરની દીવાલો ઉપર એક લેખ છે. આ શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસર નરસિંહપુરા પંચાયતનું ઘણાં વર્ષનું છે. એનો જીર્ણોદ્ધાર કરી વેદી પ્રતિષ્ઠાની ક્રિયા સંવત ૧૯૬૪ ના રોજ વૈશાખ સુદ દસમને ગુરુવારે ભ.શ્રી ક્ષેમકીર્તિજીએ કીધી છે. એક હસ્તલિખિત અન્ય પ્રત નોટ - કાષ્ટા સંઘની પટ્ટાવાળી નરસિંહપુરાના ગાત્રો અને હસ્તલિખિત ભંડાર સુરતના કાષ્ટ સંધી નરસિંહપુરાનું આ મંદિર આશરે ૪૦૦ થી ૫૦૦ વર્ષનું ઘણું જજૂનું ગણાય છે.આ મંદિર સુરતની સં. ૧૮૯૩ની મોટી આગમાં બળી ગયેલ નહિ.જેથી ઘણી જૂની બાંધણીનું હતું. તેમાં ઉપર વેદી અને આગળ મોટી અગાસી હતી.નીચે ક્ષેત્રપલ હતાં. વળી અત્રે દર વર્ષે પર્યુષણમાં પંચગોઠે મોટો ઉત્સવ થતો ત્યારે અત્રે અભિષેક, પૂજન, આરતી પછી બૈરા તથા મરદના ગરબા અને રાસ રમાતા હતા, તે અમે નજરે જોયા છે.
(અક્ષરશઃ) પ્રતિમાઓના લેખો પરથી જાણી શકાય છે કે કાષ્ઠા સંઘમાં ચાર ગચ્છો હતાં અને એ ગચ્છોમાં ૩૫ (પાંત્રીસ) વિદ્વાન ભટ્ટરકો થઈ ગયા.

જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા - આ મંદિરનો જીર્ણોદ્ધાર મંદિરની દીવાલ પરનાં લેખ મુજબ વૈશાખ સુદ ૧૦ (દસમ) ના રોજ શતાબ્દી પુરી થયા બાદ ભ. શ્રી ક્ષેમકીર્તિજી અને એમનાં શિષ્ય પરિવારો દ્વારા કરવામાં આવ્યો હતો.

વિશેષ - અહીં ભાદરવા સુદ એકમનાં રોજ રાત્રે બાર વાગ્યા પછી સમસ્ત સમાજની હાજરીમાં ધામધુમથી દેવી વિદાય કરવામાં આવે છે.

ધજારોહણ -
આ મંદિરમાં દર વર્ષે વૈશાખ સુદ પુનમનાં દિવસે દેરાસરના શિખર પર ધજારોહણ કરવામાં આવે છે.

સરનામું -
શ્રી ૧૦૦૮ દિગંબર જૈન મંદિર, શ્રી નૃસિંહપુરા દિગમ્બર જૈન જ્ઞાતિ ધર્મશાળા, વાડી, ગોપીપુરા, કાયસ્થ મહોલ્લો, સુરત


મઢી (નૃસિંહપુરા શ્રી ૧૦૦૮ શ્રી શાંતિનાથજી દિગમ્બર જૈન મંદિર)

સ્થાપના - મઢી શ્રી શાંતિનાથજી દિગમ્બર જૈન મંદિરની સ્થાપના વર્ષ ૨૦૦૫ મા કરવામાં આવી હતી.

મૂળ નાયક - આ મંદિરમાં મૂળનાયક શ્રી શાંતિનાથજીની પ્રતિમા બિરાજમાન છે. સન ૨૦૧૩માં શ્રી વિદ્યાસાગર મુનિભવન બનાવવામાં આવ્યું.

સરનામું -
શ્રી ૧૦૦૮ શાંતિનાથજી દિગંબર જૈન મંદિર, ગામ -- મઢી તાલુકો - બારડોલી.

જવા માટે -
એસ.ટી. બસ કે પ્રાઇવેટ વાહન દ્વારા ત્યાં પહોંચી શકાય.


બુહારી (શ્રી ૧૦૦૮ પાર્શ્વનાથજી ભગવાનનું નૃસિંહપુરા દિગમ્બર જૈન દેરાસર)

સ્થાપના - તારીખ ૨૩- ૨-૮૪ના રોજ આ દેરાસરની નવા મકાનમાં સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરના ટ્રસ્ટની નોંધણી સન ૧૯૫૩માં કરવામાં આવી હતી.જેનો નોંધણી નમ્બર એ -- ૧૦૭૨ છે.

મૂળનાયક - બુહારીના આ દેરાસરમાં મૂળ નાયક શ્રી ૧૦૦૮ પાર્શ્વનાથજી ભગવાન પ્રતિષ્ઠિત છે.

ધજારોહણ -
આ મંદિરમાં ધજા દર વર્ષે મહા વદ સાતમનાં રોજ ધજારોહણ કરવામાં આવે છે.

સરનામું -
શ્રી પાર્શ્વનાથજી દિગમ્બર જૈન દેરાસર, ગામ -- બુહારી, જિલ્લો -- સુરત

જવા માટે -
સુરતથી એસ.ટી. બસ કે પ્રાઇવેટ વાહનો દ્વારા ત્યાં પહોંચી શકાય છે.